સરકારી કર્મચારીઓને તેમના અધિકારો અંગે જાગૃત કરવા માટે અંબાજી ખાતેથી ‘કર્મચારી અધિકાર યાત્રા’ના બેનર હેઠળ યાત્રાનું પ્રસ્થાન થયું છે. જે યાત્રામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભારતેન્દુભાઇ રાજગોર તથા ગુંજનભાઇ પટેલ જાડાયા છે. કર્મચારી અધિકાર યાત્રા અન્વયે આજે રાજુલા ખાતે કન્યાશાળા-૧માં કર્મચારીઓને એકત્ર કરી વિવિધ પડતર પ્રશ્નો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જૂની પેન્શન યોજના ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રીમમાંથી પરત ખેંચવો જેવા અગત્યના પ્રશ્નો અંગે કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.