રાજુલા શહેરમાં છેલ્લા કેટલાક મહિનાથી વીજ પુરવઠાની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના જણાવ્યા મુજબ નવા નિયુક્ત થયેલા અધિકારીની અણઆવડત અને બેદરકારીના કારણે રોજિંદા ધોરણે લાઈટ જતી રહે છે. શહેરમાં વારંવાર થતા વીજ વિક્ષેપથી વેપાર-ઉદ્યોગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આઈસ્ક્રીમ, શિખંડ, બાસુંદી અને ઠંડા પીણાંના વેપારીઓનો માલ બગડી રહ્યો છે, જ્યારે નાના અને મધ્યમ ઉદ્યોગોના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. ઉનાળાની ગરમીમાં વૃધ્ધો, બાળકો અને દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.
નાગરિકોનો આક્ષેપ છે કે મેન્ટેનન્સ છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિક લોકો હવે ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.





































