રાજ્યમાં નાની વયે હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ રાજુલામાં બન્યો છે. અમરેલીના રાજુલા ખાતે જ્યાં લગ્ન પ્રસંગમાં ગરબે રમતા યુવકનું હૃદય થંભી જતાં એકના એક પુત્રનું મોત થતાં પરિવાર માથે આભ ફાટ્યું છે. રાજુલાના કિશોરભાઈ પટેલ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમનો ૨૪ વર્ષીય પુત્ર પાવન અમદાવાદ ખાતે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. જેના એક મિત્રના ઘરે લગ્ન હોવાથી તે અમદાવાદથી રાજુલા આવ્યો હતો. આ દરમિયાન ગતરાત્રે પાવન પોતાના મિત્રો સાથે મન મૂકીને ગરબે રમતો હતો. ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઊપડતાં તે ઢળી પડ્‌યો હતો. પાવન અચાનક ઢળી પડતાં હાજર લોકોએ પાવનને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો. જ્યાં ડોક્ટરોએ પાવનને મૃત જાહેર કર્યો હતો. આમ અચાનક એકના એક પુત્રનું મોત થતાં ભાયાણી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.