રાજુલા પોલીસે સાયબર ફ્રોડના એક ગંભીર અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખીને એક આરોપીને હરિયાણા રાજ્યમાંથી પકડી પાડ્યો છે. આ ગુનાની વિગત મુજબ, ભોગ બનનાર યુવકને ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાના આઈડી સાથે વાતચીત થયા બાદ વોટ્સએપ નંબરની આપ-લે થઈ હતી. આરોપીએ બાદમાં વીડિયો કોલ કરી મહિલાનો અશ્લીલ વીડિયો બતાવી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ, આરોપીએ અન્ય બે મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ કરીને પોલીસની ખોટી ઓળખ આપી યુવકને બ્લેકમેઈલ કર્યો હતો. આરોપીએ ધમકી આપી હતી કે “હું પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, તમારો વીડિયો વાયરલ થયેલ છે અને ફરિયાદ થયેલ છે, જો તમે રૂ.૧૦,૦૦૦ ટ્રાન્સફર નહીં કરો તો કેસ થશે.” આ બ્લેકમેઇલથી બદનામીના ડરના કારણે ૨૦ વર્ષીય યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ૪૦ જેટલા મોબાઇલ ફોન અને ૮૫ જેટલા નંબરનું ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. ઊંડાણપૂર્વકની તપાસના આધારે આરોપીઓ હરિયાણા અને રાજસ્થાનની બોર્ડર પરના ગામોના હોવાનું જણાયું હતું. આખરે, રાજુલા પોલીસની ટીમે હરિયાણાના નૂંહ (મેવાત) જિલ્લાના પુંન્હાના ખાતેથી એક આરોપી મહમંદ બીલાલને પકડવામાં સફળતા મેળવી હતી.પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલું એક ઇઈછન્સ્ઈ કંપનીનો મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હસીન ઉર્ફ ટુડન્લ, આકીલ અને આકીબને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.




































