રાજુલા શહેરના શાહ ગોરાવાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા અને મુખ્ય સિપાહી સમાજના સંયુક્ત ઉપક્રમે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમાજના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવો,યુવાનો અને યુવતીઓને પ્રગતિશીલ બનવા માટે પ્રેરિત કરવા તથા સંઘર્ષની સાથે સફળતા મેળવવા માટે ઉત્સાહિત કરવા એ મુખ્ય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષામાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ, ઉચ્ચ ડિગ્રી કે અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનો અને યુવતીઓ, તેમજ સરકારી વિભાગમાં પ્રમોશન મેળવનાર સમાજના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન દ્વારા સમાજના બાળકોને અભ્યાસ તરફ આગળ વધવાની પ્રેરણા મળે, તેઓ મોબાઇલ અને નકામી પ્રવૃત્તિઓથી દૂર રહી અભ્યાસને પ્રથમ સ્થાન આપે અને પોતાના લક્ષ્યો સુધી પહોંચે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.