રાજુલા શહેરમાં પાડોશમાં ચાલતા મકાનના કામની ધૂળ અને રેતી બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે રેતી સરખી કરવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા ત્રણ શખ્સોએ એકસંપ થઈ યુવક પર છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. હસનભાઇ ટપુભાઇ મહેતર/ઘાંચીએ આદમભાઇ, જાવિદભાઇ આદમભાઇ સેલોત તથા અકરમભાઇ આદમભાઇ સેલોત સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાજુલામાં તેમના અને આરોપીઓના ઘર સામસામે આવેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમના મકાનનું કામ ચાલી રહ્યું હોવાથી રેતી અને અન્ય મટીરીયલ શેરીમાં પડેલું રહે છે. રખડતા કૂતરાઓ આ રેતી ઉડાડતા હોવાથી તે તેમની ડેલી પાસે જમા થઈ હતી. જ્યારે તેઓ પોતાની ડેલી પાસે પડેલી આ રેતી અને ધૂળ સરખી કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ “ધૂળ કેમ ઉડાડો છો?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી દરમિયાન મામલો બિચક્યો હતો અને ત્રણેય આરોપીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત લોખંડનો પાઈપ લઈ આવી તેમને ડાબા હાથ અને શરીર પર આડેધડ ઘા ઝીંક્યા હતા. પાડોશમાં ચાલતા વર્ષો જૂના કામ અને તેના કારણે ઉડતી ધૂળનો વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.