ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા “બસ્તી ચાલો અભિયાન” કાર્યક્રમના ભાગરૂપે, રાજુલા શહેર ભાજપ દ્વારા શહેરના વોર્ડ નંબર ૨માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ પ્રવાસી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમોની શ્રેણીમાં બૂથ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનના કાર્યકર્તાઓએ આગામી કાર્યયોજના અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો અને તેમની સમસ્યાઓ તેમજ સૂચનો જાણવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમને યોજનાના લાભ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત, ઉપસ્થિત આગેવાનોએ શહેરના શિવ મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. જનસંઘના અગ્રણી સહિત સામાજિક ક્ષેત્રના અગ્રણીઓના નિવાસસ્થાને પણ મુલાકાત લેવામાં આવી હતી.










































