રાજુલામાં છેતરપિંડીનો નવો કિસ્સો સામે આવ્યો હતો. બાઇકના હપ્તાના પૈસા જમા કરાવવા આવેલા એક વ્યક્તિ પાસેથી બે અજાણ્યા ઠગબાજોએ ગૂગલ પે દ્વારા પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને રૂ. ૧૫,૦૦૦ પડાવી લીધા હતા. પ્રકાશભાઈ પ્રાગજીભાઈ વણજર (ઉ.વ.૨૬)એ બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી પોતાના મોટરસાયકલના હપ્તાના પૈસા જમા કરાવવા માટે રાજુલા SBI બેંકના CDM મશીન પર આવ્યા હતા. આ સમયે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા અને ફરિયાદીને રોકડા પૈસા તેમને આપવા અને બદલામાં તેઓ ફરિયાદીના બેંક ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપશે તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ વિશ્વાસ કરીને આરોપીઓને રોકડા રૂ. ૧૫,૦૦૦ આપ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનના સ્કેનરથી ફરિયાદીનું ગૂગલ પે સ્કેનર સ્કેન કર્યું. જોકે, ફરિયાદીના ખાતામાં પૈસા જમા થયા ન હોવા છતાં, આરોપીઓએ ‘પૈસા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે’ તેમ કહીને ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી.
આ મામલે ફરિયાદીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે બે અજાણ્યા ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેંકમાં પૈસા જમા કરાવવા આવતા ગ્રાહકોને સાવચેત રહેવા અને અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.





































