ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બી.આર.સી. ભવન, રાજુલા ખાતે ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર શિબિરનો પ્રારંભ થયો છે. તા. ૧૬ મે થી ૩૦ મે સુધી ચાલનારા આ કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોને સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બનાવવાનો છે. ઉદ્‌ઘાટન પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના બહેન અનુબેન અને સરોજબેન, રાજુલા તાલુકા ટીપીઓ સોયેબભાઈ સુમરા અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કોકિલાબેન જોશીએ બાળકોને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવી, બહારના ખોરાક ટાળી પોષણયુક્ત આહાર લેવા પર ભાર મૂક્યો હતો.