રાજુલામાં પ્રેમ સંબંધમાં યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. તેમજ ગળાના ભાગે છરી રાખીને માફી મંગાવી હતી અને વીડિયો ઉતાર્યો હતો. બનાવ અંગે કડીયાળી ગામે રહેતા સંજયભાઇ ઉર્ફે સુનીલ ધનજીભાઇ ખસીયા (ઉ.વ.૨૨) એ મોઇન ઉનડ, એહમદભાઇ ઇકબાલશાહ કાદરી તથા વિશાલભાઇ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગાઇની વાત લોઠપુર ગામના પ્રવિણભાઇ બાબરીયાની દીકરી સાથે ચાલતી હતી. જેની સાથે સગાઈની વાત ચાલતી હતી તે યુવતીને આરોપી મોઇન સાથે પ્રેમ સંબંધ હતો. આરોપી મોઇન તેમને ફોન કરીને કહેતો હતો કે, “તું તેની સાથે સગાઇ ન કર અમારે બન્નેને પ્રેમ સંબંધ છે.” જેથી તેમણે આરોપીને ઇન્સ્ટાગ્રામમાં ગાળો આપી હતી. આ વાતનું મનદુઃખ રાખી આ કામના આરોપીઓએ તેને મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી હિંડોરણા તરફ બાવળની કાંટમાં લઇ જઇ બન્ને ગાલ પર દસથી પંદર લાફા માર્યા હતા. તેમજ અભદ્ર ભાષામાં ગાળો આપી હતી. ઉપરાંત નેફામાંથી છરી કાઢી ગળાના ભાગે રાખી માફી મંગાવી મોબાઇલ ફોનમાં ત્રણેય આરોપીઓએ વીડિયો ઉતારી રાજુલા સરકારી દવાખાના પાસે ઉતારી તેમને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.








































