અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પટવા ગામે પોષણ ઉત્સવ-૨૦૨૪ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઇ.સી.ડી.એસ રાજુલા અને જીએચસીએલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મિલેટ અને ટેક હોમ રાશન (THR)માંથી બનાવેલી વિશિષ્ટ વાનગીઓની હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન-૨૦૨૪ની ઉજવણી ચાલી રહી છે. તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગરથી રાજ્યવ્યાપી પોષણ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ આંગણવાડીઓ, ઝોન, સેક્ટર, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પટવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી મારફતે અપાતા ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.