રાજુલા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પત્ની પેપર ચેકિંગની કામગીરી અર્થે ધારી ગયા હતા, તે દરમિયાન પાછળથી તેમના પતિ કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે મૂળ જામજોધપુરના વેરાડ ગામના અને હાલ રાજુલામાં રહેતા સુમીતાબેન વિજયકુમાર જોટગીંયાએ જાહેર કર્યા મુજબ, તેઓ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. હાલમાં ચાલી રહેલી પરીક્ષાઓના પેપર ચેકિંગની કામગીરી અર્થે ધારી મુકામે ગયેલા હતા. આ સમય દરમિયાન તેમના પતિ રાજુલા સ્થિત ઘરે એકલા હતા. ૦૩/૦૪/૨૦૨૬ના સવારના આશરે દસ વાગ્યાની આસપાસ પત્નીએ ધારીથી તેમના પતિ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત થયા બાદ, પતિ ઘરેથી અચાનક કોઈને પણ કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. પતિ પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકી ગયા હતા, જેના કારણે તેમનો સંપર્ક કરવો અશક્ય બન્યો છે. જોકે, ક્યાંય પત્તો ન લાગતા આખરે આ અંગે રાજુલા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.