અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક પીવાના પાણીની પાઈપલાઈનના કામને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ધાતરવડી ડેમ-૧ માંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાને પાણી પહોંચાડવા માટે જૂની જર્જરિત પાઈપલાઈનના સ્થાને નવી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ આ કામનો વિરોધ કરતાં ત્નઝ્રમ્ પર ચઢી કામ અટકાવ્યું હતું. ખેડૂત આગેવાન દિલીપ સોજીત્રાએ જણાવ્યું કે તેમની મુખ્ય માંગણીઓમાં ડેમની ઊંચાઈ વધારવી, ફ્યુઝ ગેટ નાખવા અને નગરપાલિકાની લાઈનોમાં મીટર મૂકવાનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ડેમ તેમના વડવાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વિરોધને પગલે પોલીસે ૫૬થી વધુ લોકોની અટકાયત કરી હતી. નોંધનીય છે કે, અગાઉ રાજુલા શહેરના વેપારીઓ અને નાગરિકોએ પીવાના પાણીની પાઈપલાઈનનું કામ ઝડપથી શરૂ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ ઘટનાથી પાણી પુરવઠાના કામમાં અવરોધ ઊભો થયો છે.