રાજુલામાં નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર એકમાં ભાજપના ઉમેદવારો દ્વારા મિટિંગ યોજાઇ હતી. જેમાં વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારો, ભાજપની ટીમ દ્વારા બાળકો, વડીલો સહિત બહોળી સંખ્યામાં લોકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા. રાજુલા શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ દ્વારા વિકાસના કામની રૂપરેખા આપવામાં આવી હતી. હીરાભાઈ સોલંકીએ જે પણ કામ અટકેલા હશે તેને પૂરા કરવાની ખાતરી આપી હતી. આ ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટવા અપીલ પણ કરી હતી. પ્રજાપતિ સમાજના પ્રમુખ મનીષભાઈ વાળાએ વધુ મતદાનની અપીલ કરી હતી. આ મિટિંગ માટે મહેશભાઈ ટાંક, દેવશીભાઈ બામણીયા અને ઉમેદવારોએ ભારે જહેમત ઉઠાવી હતી.