રાજુલા શહેરમાં તસ્કરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજુલામાં રહેતા અને મૂળ સુરતના વતની એવા એક નાગરિકના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ રકમ અને મોબાઈલ એસેસરીઝ સહિત કુલ રૂ.૯૬,૦૦૦ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટના સામે આવી છે.બનાવ સંદર્ભે જગદિશભાઇ માધાભાઇ જાલોધરા (આહીર, ઉ.વ.૬૦)એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ૨૬ એપ્રિલે બપોરે ૧૨ઃ૪૫ થી ૨ઃ૦૦ વાગ્યાના ટૂંકા ગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ હોલમાં રાખેલા એક થેલાને નિશાન બનાવ્યો હતો, જેમાંથી રૂ.૯૫,૦૦૦ની રોકડ અને રૂ.૧,૦૦૦ની કિંમતના ૨ આઈફોન ચાર્જર મળી કુલ રૂ.૯૬,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી.ધોળે દિવસે થયેલી આ ચોરીને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભરબપોરે રહેણાંક વિસ્તારમાં થયેલી આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા કર્યા છે. હાલ રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.બી. જાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































