નવ દંપતીઓને મળ્યા સાધુ-સંતોના આશીર્વાદ, આ લગ્ન મહોત્સવ રહ્યો અનોખો

રાજુલા શહેરમાં પ્રથમ વખત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા. મહંત ઇન્દ્રભારતી મહારાજ અને અન્ય મહામંડળેશ્વરોના આગ્રહ અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં માંડ્‌યા. ઐતિહાસિક પ્રસંગમાં ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે એવી પાંચ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા, જેમના પિતા નહોતા. આ દરમિયાન સાધુ-સંતોએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં શ્રી ૧૦૦૮ જગતગુરુ ગર્ગાચાર્ય, મહેન્દ્ર આનંદ ગીરીજી મહારાજ, જય અંબાનંદ ગીરીજી સહિત અનેક મહામંડળેશ્વરો હાજર રહ્યા. સમગ્ર પ્રસંગમાં નવ દંપતીઓને છ લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવ્યો. કાર્યક્રમનું સૌથી આકર્ષક પ્રદર્શન એ રહ્યું કે, કાર્યક્રમના અંતમાં એક નાની બાળાના શિવ તાંડવ નૃત્યે સૌ મહામંડળેશ્વરોને જમીન ઉપર બેસી જવા પ્રેરિત કર્યા. શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાના આ ભવ્ય મહોત્સવે રાજુલા શહેરમાં અનોખો ઇતિહાસ રચ્યો.