રાજુલા શહેરના બીડી કામદાર વિસ્તારમાં રહેતા અને ખેતી ધરાવતા મહેબૂબ હકીમભાઇ જોખીયા ઉં.વ.૪૪ એ તેના કૌટુંબિક કાકાના દીકરા રૈયાઝ રસુલ જોખિયા, જાફર ઉંમર જોખિયા, યુસુફ નાથા જોખિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કાકા દાદાના ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેતીની જમીન મુદ્દે ડખો ચાલતો હોય આ બાબતને લઈને રાજુલા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તાજેતરમાં ગત તા.૧-૧૦-૨૦૨૫ ના રોજ ફરિયાદી મહેબૂબ તથા તેનો ભાઈ ફિરોજ કોર્ટની મુદ્દતે ગયા હતા અને ત્યાંથી મુદ્દત પતાવી બાઈક લઈને પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રાજુલા એસડીએમ કચેરી સામે પાછળથી કારમાં આવેલ ત્રણેય આરોપીઓએ કાર ફરિયાદીના બાઈક પર ચડાવી દઈ ફરિયાદી યુવાન તથા તેના ભાઈ પર પાઇપ વડે હુમલો કર્યો હતો અને આ મારામારીમાં મહેબૂબ તથા તેના ભાઈ ફિરોજને ગંભીર ઈજા પહોંચી હતી. બંને ઇજાગ્રસ્ત ભાઈઓને પ્રથમ સારવાર અર્થે રાજુલા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરૂવારના રોજ ફરિયાદી મહેબૂબ હકીમ જોખિયા ઉં.વ.૪૪ નું સારવાર દરમિયાન મોત થયું હતું.