રાજુલામાં પોલીસ પેટ્રોલિંગના દાવા ખાલી કાગળ પર હોય તેમ ઘરફોડની ઘટનામાં વધારો થયો છે. સ્વામી નારાયણ નગરમાં બંધ મકાનનું તાળું તોડીને ત્રાટકેલા ચોર ઇસમો રોકડા ૮૦૦૦ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ ૩.૬૫ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યો ચોર ઇસમ તેમના મકાનમાં ત્રાટક્યો હતો અને રૂમનું તાળુ તોડી કબાટમાં રાખેલા સોના-ચાંદીના વિવિધ દાગીના તથા રોકડા ૮૦૦૦ મળી કુલ રૂ.૩,૬૫,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ.જે.ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.