રાજુલા પોલીસે સાવરકુંડલા રોડ પર આવેલી અમર હોટલ ખાતેથી ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડી, ડીઝલના જથ્થા સહિત કુલ રૂ.૧૮,૨૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ૫ જૂન, ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ રાજુલા-સાવરકુંડલા હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટા આગરીયા ગામથી આગળ આવેલી અમર હોટલ ખાતે ડીઝલ ચોરીની
પ્રવૃત્તિ ચાલી રહી છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ તપાસ કરતા, અમર હોટલ ખાતેથી ત્રણ ઇસમો ડીઝલના જથ્થા સાથે મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, હોટેલ માલિક અને અન્ય એક ઇસમ મળીને ટ્રક ડ્રાઇવરો પાસેથી સસ્તા ભાવે ડીઝલ મેળવતા હતા અને તેને ગેરકાયદેસર રીતે બજારમાં વેચીને ડીઝલ ચોરીનું રેકેટ ચલાવતા હતા. પોલીસે આ ત્રણેય ઇસમો પાસેથી કુલ ૨૦૦ લીટર ડીઝલ, જેની કિંમત આશરે રૂ.૧૮,૦૦૦/- થાય છે, તે ઉપરાંત પ્લાસ્ટિકના બેરલ અને કેપ્સ્યુલ સહિત કુલ રૂ. ૧૮,૨૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુન્નાભાઇ જીલુભાઇ ભુકણ, જગદીશભાઇ ઉર્ફે મયુર પરશોતમભાઇ મકવાણા અને મુકેશભાઇ જીવનભાઇ ગુજરીયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






































