અમરેલી જિલ્લામાં જુગારની બદીને અટકાવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ અપાયા છે. રાજુલામાં ઠાકરધણી હોટલ પાસેથી એલસીબીએ સોશિયલ મીડિયા ટેલીગ્રામના માધ્યમથી ઓનલાઈન જુગાર રમાડતાં બે શખસોને દબોચી લીધા હતા. રામપરા-૨માં રહેતા લાલાભાઈ વાઘ તથા ખાંભાના જામકાવાડી વિસ્તારમાં રહેતા નનાભાઈ રામ મળીને ટેલીગ્રામ સોશિયલ મીડિયા પર જુગાર રમવા માંગતા લોકોને ગ્રુપમાં એડ કરતા હતા. જે બાદ જુગારની રકમ ઓનલાઈન મેળવીને જીતનાર વ્યક્તિનેને ગૂગલ પે કે ફોન પે દ્વારા પેમેન્ટ કરતા હતા. પોલીસે તેમની પાસેથી બે મોબાઇલ, રોકડા ૧૬૫૦ મળી કુલ ૨૧,૬૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.ડી.અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.