શ્રીમતી ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તા. ૪ જાન્યુઆરી શનિવારના રોજ તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપકભાઈ ઠક્કર, લોઠપુર પ્રાથમિક શાળાના આચાર્યા અરુણાબહેન મહેતા સહિત વિવિધ સંસ્થાના શિક્ષકો અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલા મહાકુંભ અંતર્ગત સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોક ગીત, ભજન, રાસ, લોક નૃત્ય, ગરબા, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વક્તૃત્વ અને ચિત્ર જેવી ૧૪ જેટલી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં સ્પર્ધકો અને કલાના ઉપાસકોએ પોતપોતાની આગવી શૈલીમાં કલા પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ આનંદપૂર્વક કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.