રાજુલા શહેરમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર, નીચલી બજાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અનોખી કૃતિ બનાવવામાં આવી છે. આ વર્ષે સાળંગપુર ધામના હનુમાનજી મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેને આજે ભારતીય જનતા પક્ષના અગ્રણીઓના હસ્તે દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી, વિશ્વજીવનદાસજી સ્વામી, ઢસાના શાસ્ત્રી સ્વામી અને ગઢડાના વિપુલ ભગત સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. આ કૃતિ રાજુલાના હરિનંદન સ્વામી અને નાયણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજુલાના સહજાનંદ ગ્રુપ દ્વારા બનાવવામાં આવી છે. સહજાનંદ ગ્રુપના પ્રમુખ સંદીપભાઈ ટાંક, ટ્રસ્ટીઓ વલ્લભભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ પરમાર અને પ્રમોદભાઈ સોની સહિત તમામ સભ્યોને સાધુ-સંતોએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે, સંદીપભાઈ ટાંકને મંદિરના ટ્રસ્ટી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ કૃતિ જન્માષ્ટમી સુધી રાજુલા શહેર અને આસપાસની જનતા માટે ખુલ્લી રહેશે. શ્રદ્ધાળુઓ દરરોજ સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. આ પ્રસંગે ચેતનભાઈ શિયાળ, વનરાજભાઈ વરુ, વીરભદ્રભાઈ ડાભિયા, ધાખડા, રણજીતભાઈ ખાચર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.