રાજુલામાં રહેતો અને પ્લમ્બિંગ કામ કરતો યુવક ચા પીવા ગયો ત્યારે તેની સાથે માથાકૂટ કરી હતી. જે બાદ એક દંપતી સહિત કુલ ત્રણ લોકોએ આવી તેને મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કમલેશભાઇ નરેશભાઇ વાણવી (ઉ.વ.૨૫)એ અમીતભાઇ ધીરૂભાઇ ચુડાસમા, પુજાબેન અમીતભાઇ ચુડાસમા તથા એક અજાણ્યા પુરૂષ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની મોટર સાયકલ લઇને રાજુલા જુના રેલવે સ્ટેશને ચાની દુકાને ચા પીવા માટે ગયા હતા. તે વખતે અમીતભાઈ ચુડાસમા તેમની બાજુમાંથી ચાલીને આવીને ભટકાયેલા હતા. જેથી તેમને સમજાવતા તેની સાથે માથાકૂટ કરી હતી. ત્રણેય આરોપીઓએ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. પતિ-પત્નીએ તેમની સાથે ઝપાઝપી કરી નીચે જમીન ઉપર પછાડી દઇ શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.