રાજુલા શહેરમાં જય માતાજી ગ્રુપ દ્વારા સતત દસમા વર્ષે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગોકુળનગર-શ્રીજીનગર વિસ્તારમાં આવેલા જય માતાજી ગ્રાઉન્ડ ખાતે યોજાનારો આ મહોત્સવ જિલ્લામાં એકમાત્ર એવો છે, જ્યાં માત્ર બહેનો અને બાળાઓને જ પ્રવેશ આપવામાં આવે છે અને પ્રવેશ માટે કોઈપણ ફી લેવામાં આવતી નથી.યુવા ગ્રુપના સભ્યો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ વર્ષે ખેલૈયાઓ માટે ખાસ ખ્યાતનામ કલાકારો કિશન સોલંકી અને શીતલ રાગડીયા ગરબાની રમઝટ બોલાવશે. તેમની સાથે બેન્જો ગરબા ટીમનું મેનેજમેન્ટ પ્રશાંતભાઈ ગોંડલીયા અને પ્રસાર માધ્યમની જવાબદારી કાના મહેશભાઈ સહિતની ટીમ સંભાળશે. મહોત્સવ દરમિયાન દરરોજ માતાજીની મહાઆરતી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. દશેરાના દિવસે વિજેતા બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામો પણ આપવામાં આવશે. પ્રથમ દિવસે સંતો અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી બાદ મહોત્સવનો પ્રારંભ થશે.








































