રાજુલા શહેરમાં જન્માષ્ટમીના તહેવારની ભવ્ય ઉજવણી માટે જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ૪૧મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજુલાના રાજમાર્ગો પર નીકળીને શહેરને ગોકુળ-વૃંદાવન જેવું વાતાવરણ પૂરું પાડશે. શોભાયાત્રાનો પ્રારંભ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સવારે ૯ઃ૦૦ કલાકે થશે. ભગવાનના રથને ફૂલહારથી શણગારી પૂજા-આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવશે. યાત્રામાં બેન્ડવાજા, નાસિક ઢોલ, કથક નૃત્ય, વાંસ ઉપર લટકેલા લોકો, જાંબુરાના સીદીઓનું નૃત્ય અને ડાક-ડમરુ જેવા અનેક આકર્ષણો જોવા મળશે. ભરવાડ સમાજના ભાઈઓ તેમના પરંપરાગત પોશાકમાં રથ ખેંચશે. માધવ મટકી ગ્રુપના સભ્યો ૨૦ જેટલી મટકીઓ ફોડવા માટે તૈયાર રહેશે. યાત્રામાં રામાયણ, મહાભારત અને સનાતન ધર્મને ઉજાગર કરતી ૧૦થી વધુ શણગારેલી કૃતિઓ દર્શાવવામાં આવશે.