રાજુલા શહેરમાં દર ચોમાસા દરમિયાન કાદવ-કીચડ થવાની પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે. આ વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે વર્ષો જૂની માંગણી હતી ત્યારે રાજુલાના છતડીયા રોડ, ધોરા રોડ સહિતના વિસ્તારોમાં હાલમાં ૫૦ જેટલા રોડ પૂર્ણ થવા આવ્યા છે અને આરસીસી રોડનું કામ પૂર્ણ થતા આ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ ઉપરાંત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જીગ્નેશભાઈ પટેલ, મીઠાભાઈ લાખણોત્રા સહિતના આગેવાનોએ રજૂઆત કર્યા બાદ બાઢડા રાજુલા પીપાવાવ અંબાજી પ્રતિપથ ૨૨૬૦ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે આ માર્ગ ફોરલેન માર્ગ બનશે અને રાજુલા સાવરકુંડલા માર્ગ વધુ વિસ્તૃત બનશે સાથોસાથ કડીયાળી, ભેરાઈ અને પીપાવાવ સુધીનો માર્ગ અને રાજુલા જાફરાબાદ સુધીનો માર્ગ રૂપિયા ૩૬ કરોડના ખર્ચે બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ તમામ રોડના કામ પૂર્ણ થતા અને નવા રોડના કામ મંજૂર કરવામાં આવતા શહેરની એક સુવિધામાં વધારો થવા પામ્યો છે.