રાજુલામાં સફાઈ કામદારોની હડતાલને કારણે સર્જાયેલી ગંદકીની ગંભીર સમસ્યા સામે રાજુલા શહેર કોંગ્રેસ સમિતિએ અવાજ ઉઠાવ્યો છે. આજે કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવાની માંગણી કરી છે. આ રજૂઆતમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપ શાસિત નગરપાલિકા સફાઈની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે શહેરમાં ગંદકીના ઢગલા થઈ ગયા છે. આ પરિસ્થિતિ નાગરિકોના આરોગ્ય માટે જોખમી બની રહી છે. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.ડી. કાછડ, રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગંગાભાઈ હડિયા, યુવક કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ મહિડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડાએ જણાવ્યું કે, “જો તાત્કાલિક સફાઈ કામ શરૂ નહીં થાય તો કોંગ્રેસ પક્ષ જનહિત માટે વધુ કડક આંદોલન કરશે.” તેમણે નગરપાલિકાને આ સમસ્યાનું ત્વરિત નિવારણ લાવવા અનુરોધ કર્યો છે.






































