રાજુલા પોલીસ ટીમે બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઈ વૃદ્ધ મુસાફરોને નિશાન બનાવતી આંતરજિલ્લા ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી અર્ટિગા ગાડીમાં આવી જે બસમાં વધુ ટ્રાફિક હોય તેમાં પેસેન્જર બની ચડતી અને નજર ચૂકવીને રોકડની ચોરી કરતી હતી.તાજેતરમાં નાગેશ્રી ગામના વૃદ્ધ ખેડૂતના ખિસ્સામાંથી રૂ. ૨૦,૦૦૦ ચોરાયાની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સુરેશ કાળુભાઈ પરમાર અને અજય કમાભાઈ સોલંકીને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની રોકડ અને ગુનામાં વપરાયેલ રૂ. ૩ લાખની અર્ટિગા ગાડી મળી કુલ રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.









































