ભારત-ચીન યુદ્ધમાં દેશ માટે શહીદ થયેલા ૧૨૦ આહિર જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરવા માટે અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આયોજિત ‘રેજાંગલા રજ કળશ યાત્રા’નું રાજુલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા આહિર સમાજ ગેટથી રાજુલા શહેરમાં પ્રવેશી હતી, જ્યાં આહિર સમાજના લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં કંકુ ચોખાથી કળશને આવકાર્યો હતો. આ પછી આહિર સમાજ દ્વારા આ રેજાંગલા રજ કળશનું ભવ્ય સન્માન કરીને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાદ યોજાયેલી સભામાં ‘આહિર રેજિમેન્ટ’ની માંગ સાથે રાજુલા તાલુકાના ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનો દિનેશભાઈ હડિયા, મનુભાઈ કાતરીયા અને કનુભાઈ વાણીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બિજલ ભગત, વાલદાસ બાપુ અને લક્ષ્મણદાસ બાપુ સહિતના સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, રેજાંગલા યુદ્ધમાં શહીદ થયેલા ૧૧૪ વીર જવાનોની યાદમાં વૃક્ષના રોપાનું વિતરણ કરીને તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરોજબેન ડેર, ભાવુબેન આહિર, ઘનશ્યામભાઈ લાખણોત્રા અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.










































