રાજુલા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની કથળતી સ્થિતિ ચિંતાજનક છે. કુલ ૧૭૧ કેન્દ્રો પૈકી ૫૮ ભાડાના મકાનોમાં કાર્યરત છે, જે યોગ્ય સુવિધાઓના અભાવનો સંકેત આપે છે. તો, સીડીપીઓ અને સાત સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કાર્યબોજ વધી રહ્યો છે. હાલમાં સુપરવાઇઝરને સીડીપીઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આંગણવાડી ચેકિંગ માટે વાહનની ગેરહાજરી પણ અધિકારીઓ માટે પડકારરૂપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સીડીપીઓ કચેરી પણ છેવાડાના ભાડાના મકાનમાં કાર્યરત છે, જેના કારણે આંગણવાડીની બહેનોને કામ માટે ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડે છે. અગાઉ એસ.ટી. ડેપો પાસે આવેલી કચેરીનું સ્થળ ત્રીજી વખત બદલવામાં આવ્યું છે, આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે જેથી આંગણવાડીની સેવાઓ સુચારુ રીતે ચાલી શકે તે જરૂરી છે.