ભાદરવી અમાસના દિવસે રાજુલા અને આસપાસના શિવ મંદિરોમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ અમાસને શ્રાવણ માસનો અંતિમ દિવસ માનવામાં આવે છે, જેના કારણે કુંભનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ, ધારનાર મંદિર, કોટેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવ જેવા મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પૂજારી શાસ્ત્રી આચાર્ય બળુદાદાએ જણાવ્યું હતું કે, આ દિવસે પિતૃઓના મોક્ષ માટે જળ અર્પણ કરવું અને પીપળાના વૃક્ષની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ વૃક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ દિવસે શિવ મંદિરમાં પૂજા-અર્ચન અને દાન-દક્ષિણાનું પણ ઘણું મહત્વ હોય છે. ચિરાગ બી. જોષીના જણાવ્યા મુજબ, અમાસના દિવસે પૂર્વજોને જળ, તલ અને બાજરો અર્પણ કરીને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ વિધિ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.







































