અમરેલીના રાજુલા ધાતરવાડી ડેમ-ર કેટલાક મહિનાથી ખાલી હતો. તેવા સમયે વરસાદી માહોલ અને ઉપરવાસનું પાણી સતત આવકમાં રહેતા ધાતરવડી-૨ ડેમ મોડી રાતે ૧૦૦% ભરાયો હતો. જેને પગલે સ્થાનિક ખેડૂતો, આસપાસના વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ નદીના કાંઠાના ૧૦ જેટલા ગામડાને એલર્ટ કરી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. મોડી રાતે ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા એક સાથે ૧૦ ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાખબાઈ, હિંડોરણા, છતડીયા, ભચાદર, ઉંચેયા, ધારાનાનેસ રામપરા, કોવાયા, રાજુલા, લોઠપુર, જાફરાબાદ સહિત વિસ્તારનો સમાવેશ થાય છે. ધાતરવડી ડેમ ઓવરફ્‌લો થવાના કારણે એક દરવાજો ખોલતા પાણીની આવક નદી કાંઠાના વિસ્તારમાં વધી રહી છે. આસપાસના નદી કાંઠાના ગામવાસીઓ નદી નજીક અવરજવર ન કરે તેની અપીલ કરવામાં આવી છે. ગામના સરપંચ, તલાટીમંત્રી સુધીના લોકોને જાણ કરી દેવામાં આવી છે.