રાજુલા, તા.૯
રાજુલાની જાણીતી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં એક સગીર વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઈ તેના પિતાએ રજૂઆત કરતાં બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે સરાકડીયા ગામના રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૪૨)એ રાજુલામાં રહેતા મનસુખભાઈ તથા પરેશભાઈ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો દિકરો શ્યામ (ઉ.વ.૧૬) રાજુલા કાન્હા સ્કૂલમાં અભ્યાસ કરે છે અને નચિકેતા હોસ્ટેલમાં રહે છે. બે દિવસ પહેલા હોસ્ટેલના રૂમમાં હતો તે દરમિયાન મનસુખભાઈએ તેમના દિકરાને ઓસરીમાં બોલાવી બે ત્રણ ઝાપટ તેમજ ઢોર માર માર્યો હતો. જે બાબતે તેઓ તથા તેમનો પુત્ર પરેશભાઈ જોષી પાસે રજૂઆત કરવા ગયા હતા. તેમણે તેના દિકરાને ઓફિસ બહાર કાઢી મુકેલ તેમજ તેમને પણ બહાર નીકળી જાવ અને તમે જેવા હોય તેવા દેખાય જાવ અને તમે તમારી જાત ઉપર જ આવી જાવ છો તેમ કહી અપમાનિત કર્યા હતા. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.