અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એક ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ, એક સ્વિફ્‌ટ કાર અને એક બાઈક વચ્ચે સર્જાઈ હતી. અકસ્માતમાં સ્વિફ્‌ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં છે.
મૃતકોની ઓળખ તેમના મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવી છે અને તેઓ પાદરા, વડોદરાના રહેવાસી દેવભાઈ મિતેશભાઈ સોની, જયભાઈ પટેલ અને સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ દીવ તરફથી આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં બાઈકચાલકને પણ ઈજાઓ પહોંચી છે, જે એસટી બસની પાછળ ઘૂસી જવાને કારણે ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોંગ સાઈડથી આવતી સ્વિફ્‌ટ કાર અચાનક ઊછળીને એસટી બસની સાઈડમાં આવી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.