રાજુલા તાલુકાના હિંડોરણા ગામ પાસે પાંચ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક યુવકને બાવળની કાંટમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને મોબાઈલ લૂંટી લઈ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગ્યાની સનસનીખેજ ઘટના સામે આવી હતી. આ અંગે જાફરાબાદના વારાહ સ્વરૂપ ગામમાં રહેતા રોનકદાસ ભરતદાસ મેસવાણીયાએ કરણભાઇ દંતુભાઇ પટાટ રહે.હીંડોરણા, તથા સમીનાબેન સેલોત રહે.રાજુલા, જીતુભાઇ રાઘવભાઇ ચૌહાણ રહે.રાજુલા તથા અજાણ્યા બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો મુજબ, કરણભાઇ દંતુભાઇ પટાટે તેમને ફોન કરીને હિંડોરણા ગામે બોલાવ્યો હતો. ત્યારબાદ અન્ય સાથીદારો સાથે ઓળખાણ કરાવી, સમીનાબેન સેલોત તેમને બાવળની કાટમાં લઈ ગયા હતા. ત્યાં અચાનક અન્ય આરોપીઓ આવી પહોંચ્યા હતા અને તેમને ઘેરી લીધો હતો. આરોપીઓએ તેમને ગાલ પર લાફા ઝીંકી અને ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી, મહિલા સાથે ખરાબ કામ કરવાનું કહી પરાણે વીડિયો ઉતારી લીધો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેમના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂ. ૧૯૫૦ કાઢી લીધા હતા. આરોપીઓએ લાકડી વડે યુવકને માર મારી તેનું પેન્ટ ઉતરાવ્યું હતું અને અર્ધ નગ્ન હાલતમાં વીડિયો ઉતારી તેને લાચાર બનાવ્યો હતો. આ સાથે જ આરોપીઓએ યુવકનો નવો મોબાઈલ ફોન પણ બળજબરીથી છીનવી લીધો હતો. આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જો તે ૫ લાખ રૂપિયા નહીં આપે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે. સાથે જ એવી પણ ધમકી આપી હતી કે તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે અને જાનથી મારી નાખવામાં આવશે.








































