રાજુલા શહેરના વોર્ડ નંબર ૭માં છેલ્લા ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયા હોવાથી આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શાળા નંબર ૪ પાસે આવેલી નરસિંહભાઈની દુકાન સુધી ગંદકી મારતું ગટરનું પાણી રેલમછેલ થઈ રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ હોય ત્યારે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગો ફેલાવાની સંભાવના હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સાફ-સફાઈ કરવામાં આવતી નથી. નરસિંહભાઈની દુકાન સામે ઘણા સમયથી ખાડો ખોદવામાં આવ્યો છે તેને પૂરવા માટે પણ પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. નગરપાલિકાની આવી નીતિને કારણે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.









































