રાજુલાના એક વેપારી સાથે ભાગીદારીમાં કંપની શરૂ કર્યા બાદ વિશ્વાસઘાત કરી ડાયરેક્ટર પદેથી બારોબાર હટાવી દેવા તેમજ રૂ. ૭૩.૪૫ લાખથી વધુની રકમ ન ચૂકવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ અંગે દીપકભાઈ ઘનશ્યામભાઈ આહીર (ઉ.વ.૩૦)એ ભાવનગરમાં રહેતા મયુરભાઈ જગદીશભાઈ ઠક્કર તથા વિરલભાઈ જગદીશભાઈ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી મયુરભાઈ જગદીશભાઈ ઠક્કરે ફરિયાદી વેપારી સાથે મળીને ભાગીદારીમાં ‘દ્વારકાધીશ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપની શરૂ કરી હતી. કંપની શરૂ થયા બાદ આરોપી મયુરભાઈ ઠક્કરે પોતાના ભાઈ વિરલભાઈ જગદીશભાઈ ઠક્કરની મદદગારી મેળવી તેમની સાથે વિશ્વાસઘાત કરવાનું ષડયંત્ર રચ્યું હતું.બંને આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર તેમના નામનો એક ખોટો રાજીનામા પત્ર તૈયાર કર્યો હતો.તેમાં તેમની બનાવટી સહી કરીને તે પત્ર ‘રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ’ (ROC) અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો. આ રીતે ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી તેમને કંપનીના ડાયરેક્ટર પદેથી દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ પોતાની મેળે કંપનીનું નામ બદલીને ‘શિવાર્થ ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ’ કરી નાખ્યું હતું.ડાયરેક્ટર પદેથી હટાવવા ઉપરાંત, તેમની પાસેથી જુદી-જુદી તારીખે બિલ્ડિંગ મટિરિયલ્સનો મોટો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. આ મટિરિયલ્સ પેટે ફરિયાદીના કુલ રૂ. ૭૩,૪૫,૩૦૭ (તંંતેર લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો સાત) બાકી નીકળતા હતા. વારંવારની ઉઘરાણી છતાં આરોપીઓએ આ રકમ ચૂકવી નહોતી. આમ, ફરિયાદીની ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજો બનાવી કંપની હડપ કરી લેવા અને લાખો રૂપિયાનું મટિરિયલ મેળવી નાણાં ન આપી છેતરપિંડી આચરવા બદલ મયુર ઠક્કર અને તેના ભાઈ વિરલ ઠક્કર વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.