રાજુલા તાલુકાના વિક્ટર ગામે સીતાવન આશ્રમ નકલંક ધામ તથા સમસ્ત વિક્ટર ગામ દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન ઠાકોરજી મહારાજની જાડેરી જાન નેસડા વિસ્તારમાંથી ઉકાભાઈ ભરવાડનાં ઘરેથી આવશે. આગામી તા.૧પ ને સોમવારના રોજ યોજાનાર તુલસી વિવાહમાં સવારે ૯ઃ૩૦ કલાકે મંડપમૂહુર્ત, બપોરે ૩ઃ૦૦ કલાકે જાન આગમન તથા સાંજના પઃ૦૦ કલાકે બહેનોની પૂજાવિધિ કરવામાં આવશે. આ તુલસી વિવાહમાં મહાપ્રસાદનાં દાતા અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા, લાણાના દાતા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ફરાળના દાતા સ્વ. ભરતભાઈ વાજા(હ.વિશાલભાઈ), ભુપતભાઈ વેકરીયા, કિશોરભાઈ, પતાભાઈ બાંભણીયા, પ્રકાશભાઈ વેગડ તથા મંડપ સર્વિસનાં દાતા જય મહાકાળી મંડપ સર્વિસ છે. યોજાનારા તુલસી વિવાહમાં આ વિસ્તારના સાધુ-સંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રનાં આગેવાનો સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે. આ તકે રાજુલા, જાફરાબાદ અને મહુવાની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય તુલસી વિવાહ માણવા તથા દર્શને પધારવા સીતાવન આશ્રમ નકલંક ધામના મહંત પ્રફુલદાસ બાપુ તથા સમસ્ત વિક્ટર ગામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.