રાજુલા તાલુકામાં તાજેતરમાં ૮ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાવેરા ગામ નજીક આવેલા પુલને નુકસાન થયું હતું. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રસ્તા પરનો આ પુલ પાણીના ધસમસતા પ્રવાહ અને પુલના ગાળામાં ફસાયેલા
વૃક્ષો, ઝાડી-ઝાંખરા અને કચરાને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા, તંત્ર અને માર્ગ-મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પુલને તરત જ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક પેટા વિભાગના સ્ટાફે ૨૪ કલાક અવિરત કામગીરી કરી હતી. ધોવાણથી નુકસાન પામેલા એપ્રોચનું સમારકામ કરવામાં આવ્યું જેથી વાહન વ્યવહાર ફરી શરૂ થઈ ગયો છે, માર્ગ-મકાન વિભાગે જણાવ્યું છે કે ગામડાના અન્ય માર્ગો પર જ્યાં પણ ખાડા કે ધોવાણ જોવા મળશે, ત્યાં પણ તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે.









































