અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કપચી ભરીને જઈ રહેલું ટ્રેક્ટર અચાનક પલટી મારી પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાલકનું ઘટનાસ્થળે જ દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરડી ગામના ધનજીભાઇ જીવાભાઇ મુંધવા (ઉં.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ, મૃતક મુકેશભાઈ જીવાભાઈ મુંધવા દર્શન ભડીયામાંથી પોતાના ટ્રેક્ટર (રજી. GJ-24-AA-1756) માં કપચી ભરીને નીકળ્યા હતા. જ્યારે તેઓ વાવેરા ગામે પહોંચ્યા અને થોરડી ગામ તરફ જવાના રોડ પર વાવેરા-રાજુલા વળાંકના પુલ પાસે હતા, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, ટ્રેક્ટર પૂરઝડપે અને બેફીકરાઈથી ચાલતું હોવાને કારણે ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે ટ્રેક્ટર અને ટ્રોલી રોડની બાજુમાં આવેલ આશરે ૧૫ ફૂટ ઊંડા અને ત્રણ ફૂટ જેટલા પાણીથી ભરેલ ખાડામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક મુકેશભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ અને પાણીમાં દબાઈ જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.બી.જાની વધુ તપાસ કરી રહ્યા છે.







































