રાજુલામાં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીને બિલ વગરનું સસ્તું પેટ્રોલ-ડીઝલ આપવા માટે દબાણ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીએ પોતાની ઇનોવા ગાડી ફરિયાદીની કાર સાથે અથડાવી અંદાજે રૂ. ૮૦,૦૦૦ નું નુકસાન કરી આંતક મચાવ્યો હતો. પવન શર્મા યોગેન્દ્ર શર્માએ ભેરાઈ ગામના ભરત ઉર્ફે રેસ તથા બે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, ગત તા. ૨૩/૦૩/૨૦૨૬ ના રોજ આરોપીએ તેમને ફોન કરીને કંપનીમાંથી બિલ વગરનું ઇંધણ આપવા માંગણી કરી હતી. તેમણે આ પ્રકારનો ગેરકાયદેસર ધંધો કરવાની ના પાડતા, આરોપીએ તેને નોકરી નહીં કરવા દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા. ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ આરોપીએ ઓફિસમાં ઘૂસીને પણ ધાક-ધમકી આપી હતી. તેઓ ભેરાઈ ટી પોઈન્ટ પાસે શ્રીજી હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ તેની ઇનોવા ગાડી ફરિયાદીની કાર સામે જાણીજોઈને અથડાવી હતી. જેમાં ગાડીના આગળના બમ્પરને અંદાજે રૂ. ૮૦,૦૦૦નું નુકસાન થયું હતું. ઉપરાંત ધારીયું બતાવી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તું મને બિલ વગરનું પેટ્રોલ-ડીઝલ કેમ આપતો નથી? તેમ કહી બેફામ ગાળો ભાંડી હતી. અંતે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.






































