રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક ભરડીયા ધમધમી રહ્યા છે. જે ૩ પૈકી એક સૌથી મોટો ભરડીયો ધમધમી રહ્યો છે અને સ્થાનિક ખેડૂતો સાથે વિવાદ વધી રહ્યો છે. અહીં માલધારીના પશુ ધાતરવડી નદીમાં પાણી પીવા માટે દરરોજ આવે છે. આ ભરડીયામાંથી ઝેરી પાણી નદીમાં નિકાલ કરવામાં આવતા તેમાં ગંદકીના થર જામ્યા છે. આ દરમિયાન આજે વાવેરા ગામના માલધારીઓની ૫ જેટલી ભેંસ આ માટીના થર વચ્ચે નદીમાં ફસાઈ ગઈ હતી. આ ભેંસો બહાર નીકળી નહિ શકતા માલધારીઓએ સ્વખર્ચે જેસીબી દ્વારા ભેંસોને મહામુશ્કેલીએ બહાર કાઢી હતી. આ ઘટના બાદ ખાણ-ખનીજ વિભાગ અને તંત્રની કામગીરી સામે માલધારીઓએ રોષ વ્યકત કર્યો હતો. આ અંગે અખબારી અહેવાલો બાદ ખાણ ખનીજ વિભાગની ટીકા થતાં શનિવારે વિભાગની ટીમે ઘટના સ્થળે નદીમાં પહોંચીને અરજદારની હાજરી પંચનામું કર્યું હતું અને નદીમાંથી ગંદકીને દૂર કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત ભરડિયાના સંચાલકોને ખખડાવ્યા હોવાનું કહેવાય છે. આ અંગે જિલ્લાના ખાણ-ખનીજ અધિકારી સાવનેરે કહ્યું હતું કે, સ્થળનું નિરીક્ષણ કર્યું છે, મૌખિક સૂચના આપી છે અને ફરિયાદીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. ૨૪ કલાક બ્લાસ્ટિંગ કરી પથ્થરો બહાર કાઢવામાં આવી રહ્યા છે તેની ખરાબ અસર ધાતરવડી ડેમ ઉપર થઇ રહી છે. આ અંગે રજૂઆત બાદ કોઈ પરિણામો નહીં મળતાં ટૂંક સમયમાં ફરીથી અહીંના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.