રાજુલાના જાફરાબાદ રોડ પર આવેલ એક બંધ રહેણાક મકાનમાંથી થોડા દિવસો પહેલા રોકડ રૂ. ૧.પ૦ લાખ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧,૯૩,પ૦૦ની ચોરી થયા બાદ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં રાજુલા શહેર તથા અમરેલી જિલ્લાના એન્ટ્રી અને એક્જિટ પોઇન્ટ પરના સીસીટીવીમાં કેદ થયેલ શંકાસ્પદ કારનું પગેરૂ શોધતા કાર મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળ્યું હતું. અમરેલી પોલીસ આરોપીઓને પકડી પાડવા મહારાષ્ટ્ર પહોંચી હતી. પોલીસે બે મહિલાઓ સહિત ત્રણ શકદારો શાહીદ શેખ, તમન્ના સૈયદ અને મલ્લીકા શેખને શોધી કાઢી પૂછપરછ કરતા રાજુલામાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાશે.