રાજુલા શહેરના નાગરિકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે સુનિશ્ચિત કરવા અને હાલમાં શહેરમાં પાણી સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે તા.૧૪ના રોજ રાજુલાના આગેવાનો છતડીયા મુકામે સમ્પ પર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને મળ્યા હતા. આ મુલાકાત માનનીય ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આગેવાનોએ મંત્રી સમક્ષ રાજુલા શહેરના પાણીના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ગંભીરતાથી લઈને મંત્રીએ તાત્કાલિક અસરથી સ્થળ પર તપાસ કરી હતી અને સંબંધિત જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રીએ આગેવાનોને આ સમસ્યાનું હકારાત્મક પરિણામ લાવવાની ખાતરી પણ આપી હતી.







































