રાજુલા તાલુકાના નીંગાળા-૧ ગામે સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પરિણીતાને કરિયાવર મુદ્દે પજવણી કરી, પતિ દ્વારા મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.હાલ વિકટર ગામે રહેતી ભારતીબેન મંગાભાઇ બાંભણીયા (ઉ.વ.૨૫)એ રાજુલાના નીંગાળા-૧ ગામે રહેતા પતિ ભાવેશભાઇ ભગવાનભાઇ ભીલ, સાસુ જીતુબેન ભગવાનભાઇ નાનજીભાઇ ભીલ, સસરા ભગવાનભાઇ નાનજીભાઇ ભીલ, જેઠ વિનુભાઇ ભગવાનભાઇ ભીલ, જેઠાણી મધીબેન વિનુભાઇ ભીલ તથા તેમના માસીની દિકરી કૈલાશબેન બટુકભાઇ ડાયાભાઇ મકવાણા સહિતના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી. નીંગાળા-૧ ગામે રહેતી પરિણીતાને ગત તા. ૧૦/૧૦/૨૦૨૪ થી તેના સાસરિયાઓ દ્વારા કરિયાવર બાબતે અવારનવાર હેરાન કરવામાં આવતી હતી. તેમના સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા કરિયાવર ઓછો લાવ્યા હોવા બાબતે મેણાં-ટોણા મારી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ દરમિયાન તેના પતિ ભાવેશભાઈ ભગવાનભાઈ ભીલ દ્વારા પત્નીને ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પતિએ પરિણીતાને દવા (ઝેર) પીવડાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત તેની માસીની દીકરી કૈલાશબેન બટુકભાઈ મકવાણા (રહે. મહુવા)એ ફરિયાદીના પતિને ચડામણી કરી હતી. કૈલાશબેને તેના પતિને તેને છોડી દેવા માટે ઉશ્કેર્યો હતો અને ત્યારબાદ તે ફરિયાદીના પતિ સાથે જતી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીની ફરિયાદ પરથી મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી.ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.