રાજુલા તાલુકાના નિંગાળા-૧ ગામે ચાર વર્ષ જૂના પ્રેમ સંબંધની અદાવત રાખીને એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં મહિલાઓ સહિત પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચાડી આરોપીઓએ ગાડીમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અર્જુનભાઇ ભરતભાઇ બાંભણીયા (ઉ.વ.૨૫)એ ઉમેશભાઇ ભીખાભાઇ શિંગડ, સાગરભાઇ ખીમાભાઇ ગુજરીયા, મીલનભાઇ વેલાભાઇ ગુજરીયા, પ્રકાશભાઇ ભીખાભાઇ શિંગડ તથા ભીખાભાઇ શિંગડ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ચારેક વર્ષ પહેલા તેમના ભાઈ કરણભાઈને સાગરભાઈ ગુજરીયાની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. તે સમયે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. તેઓ ઘરે હાજર હતા, ત્યારે આરોપીએ શેરીમાં પાર્ક કરેલી ઇકો ગાડી (ય્ત્ન ૧૪ છઁ ૪૦૧૩) પર લાકડી અને પથ્થર વડે હુમલો કરી કાચ ફોડી નાખ્યા હતા. તોડફોડનો અવાજ સાંભળી પરિવાર બહાર આવતા આરોપીઓએ હિંસક હુમલો શરૂ કર્યો હતો. તેમને લાકડીનો ઘા ડાબા હાથના પહોંચા પર માર્યો હતો. તેમના માતા વચ્ચે આવતા તેમને લાકડી મારી આંગળી પર લોહી કાઢી નાખ્યું હતું અને બહેન વચ્ચે પડતા તેમને પણ લાકડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન અન્ય આરોપીઓ પણ ત્યાં ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી ઘર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થર વાગવાથી ફરિયાદીના અંગૂઠા પર ઈજા થઈ હતી. હુમલાખોરોએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને આશરે રૂ. ૫૦,૦૦૦નું નુકસાન કર્યું હતું અને જતાં-જતાં સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.