રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામે એક યુવકે પ્રેમ સંબંધના કરુણ અંત બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૈત્રી કરાર રદ્દ થતા મનમાં લાગી આવતા યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. દેવપરી કાળુપરી ગોસ્વામી (ઉ.વ.૪૨) એ જાહેર કર્યા મુજબ, દિવ્યેશપરી દેવપરી ગોસ્વામી (ઉ.વ.૨૨)એ આજથી આશરે દોઢ મહિના પહેલા ચાંચ ગામની પાયલબેન રમેશભાઇ બારૈયા નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. બંનેએ સાથે રહેવા માટે કાયદાકીય સમજૂતી કરી હતી, પરંતુ કોઈ કારણોસર આ મૈત્રી કરાર રદ્દ કરવામાં આવ્યા હતા. મૈત્રી કરાર રદ્દ થતા યુવક ભારે આઘાતમાં સરી પડ્યો હતો. જે સંબંધને તેણે મૈત્રી કરાર દ્વારા કાયદેસરનું રૂપ આપ્યું હતું, તે કરાર તૂટી જતાં તેને મનમાં ખૂબ જ લાગી આવ્યું હતું. આ વિરહ અને માનસિક તણાવમાં યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દોઢ મહિના પહેલા જે સંબંધની નવી શરૂઆત થઈ હતી, તેનો આ પ્રકારે કરુણ અંત આવતા પરિવારજનોમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































