ઢીકાપાટુનો માર મારીને ગંભીર ઈજા પહોંચાડી

રાજુલાના નવી બારપટોળી ગામના યુવકે કરેલા પ્રેમલગ્ન મુદ્દે તેના પર જુની બારપટોળી ગામે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે નવી બારપટોળી ગામે રહેતા મધુભાઈ ગોવિંદભાઈ કલસરીયા (ઉ.વ.૩૦)એ જુની બારપટોળી ગામે રહેતા સંજય નરશીભાઈ કાતરીયા, નરશીભાઈ પુનાભાઈ કાતરીયા, ભનુભાઈ નાજાભાઈ કાતરીયા સહિત સાત ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, એક વર્ષ પહેલાં તેમણે જુની બારપટોળી ગામના નરશીભાઈ કાતરીયાની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે વાતનું મનદુઃખ રાખી તેમના પર જુની બારપટોળી ગામે આહિર સમાજની વાડી ખાતે આરોપીઓ તિક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યા હતા અને તું અહીં કેમ ઉભો છો તેમ કહી ગાળો આપી તેમને પકડી રાખી ગંભીર ઇજા પહોંચાડવાના ઇરાદે જીવલેણ હુમલો કરીને શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ.કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.