રાજુલા તાલુકાના દેવકા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ટ્રેક્ટર ઘૂસાડી દેવા અને વાડીના તાર ફેન્સિંગ તોડી નાખવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઠપકો આપવા ગયેલા ખેડૂતને બે શખ્સોએ ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે માયાભાઇ સોમાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫) એ સામતભાઇ નગાજણભાઇ વાવડીયા તથા હિપાભાઇ રાણીંગભાઇ વાવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, બે દિવસ પહેલા તેઓ રાજુલાથી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે તેમણે દેવકા ગામે આવેલી પોતાની વાડી-ખેતરમાં એક ટ્રેક્ટર ખૂંપી ગયેલી હાલતમાં જોયું હતું, જ્યારે અન્ય બે ટ્રેક્ટર બાજુમાં પડેલા હતા. ખેતરના તાર ફેન્સિંગ પણ તૂટેલા હતા. આ ગેરકાયદેસર કૃત્ય અંગે તેમણે આરોપીને ઠપકો આપ્યો, ત્યારે બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓ જેમ ફાવે તેમ ગંદી ગાળો આપવા લાગ્યા હતા. આ ઉપરાંત, બંને શખ્સોએ ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ, તો જામીન પર છૂટીને આવ્યા બાદ તારા ટાંટિયા ભાંગી નાખીશું અને તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશું. આરોપીઓએ ફરિયાદીની માલિકીની વાડીમાં ગેરકાયદેસર રીતે ટ્રેક્ટર ચલાવીને વાડીના તાર ફેન્સિંગ તોડી નાખ્યા હતા, જેના કારણે આશરે ૫૦૦૦/- નું નુકસાન થયું હતું. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ વધ તપાસ કરી રહ્યા છે.









































