રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક મોડી રાત્રે ત્રણ સવારીમાં જઇ રહેલા બાઇકચાલકને કોઇ અજાણ્યા વાહનચાલકે અડફેટે લઇ કચડી નાખતા બે યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માતની આ જીવલેણ ઘટના રાજુલા- મહુવા રોડ પર દાતરડી અને વિસળીયા ગામ વચ્ચે રાત્રીના પોણા દસેક વાગ્યાના સુમારે બની હતી. મહુવા તાલુકાના બીલડી ગામના બાવકુભાઇ રસાભાઇ ધુંધળવા, ભોળાભાઇ નરસિંહભાઇ ધુંધળવા તથા પ્રવિણભાઇ ભરતભાઇ ચુડાસમા મોટર સાયકલ નંબર જીજે ૦૪ ડીઆર ૬૮૨૭ લઇ અહીંથી પસાર થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કોઇ અજાણ્યા વાહનચાલકે બાઇકને ફંગોળ્યું હતું. જેના કારણે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. બાવકુભાઇ અને ભોળાભાઇ પર આ વાહન ચાલી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જયારે પ્રવિણભાઇને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.